Main Menu

સંજય દત્ત ફરી મુશ્કેલીમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વધુ એક વખત મુશ્કેલીમાં ફસાયો છે. શનિવારે મુંબઈની એક અદાલતે ફિલ્મ પ્રોડ્યુસર શકીલ નૂરાનીને ધમકાવવાના મામલે સંજય દત્ત વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. પ્રોડ્યુસર શકીલ નૂરાની સાથે સંજય દત્તને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ આર્મ્સ એક્ટ અંતર્ગત જેલની સજા કાપી ચૂકેલો સંજય દત્ત વિવાદોમાં રહેવા માટે જાણીતો છે. હકિકતમાં આ પહેલા નૂરાનીએ બોમ્બે હાઈ કોર્ટનું શરણ લીધું હતું. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે સંજય દત્તે તેની ફિલ્મ જાન કી બાજીમાં કામ કરવા માટે 50 લાખ રૂપિયા એડવાન્સ પેટે લીધા હતા. પરંતુ થોડો દિવસના શૂટિંગ બાદ સંજય દત્તે આગળના શૂટિંગ માટે તારીકો આપી નથી.

આ મામલે નૂરાનીએ પહેલા ધ ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશનમાં પણ સંજય દત્ત વિરુદ્ધ ફરીયાદ કરી હતી. જેમાં એસોસિયેશને કહ્યું હતું કે જો સંજય દત્ત 15 દિવસની અંદર નૂરાનીને 30 દિવસના શૂટિંગની તારીખ નહીં આપે તો તેણે 1.53 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારબાદ નૂરાનીએ સંજય દત્ત પર આરોપ પણ લગાવ્યો હતો કે સંજયના કહેવા પર તેના પર કરાચી અને દુબઈથી ધમકી ભરેલા ફોન આવી રહ્યા છે. જોકે, આ મામલે સંજય દત્તને મેટ્રોપોલિટન કોર્ટથી જામીન મળી ગયા હતા.

બાદમાં પ્રોડ્યુસર્સ એસોસિયેશનના આદેશને જ લાગુ કરવા માટે નૂરાની હાઈકોર્ટ ગયા હતા જ્યાં તેમણે માંગણી કરી હતી કે સંજયનો પાલી હિલ વાળો ફ્લેટ જપ્ત કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે સંજય દત્તને રાહત આપતા કહ્યું હતું કે તેઓ એસોસિયેશનનો આદેશ સંજય દત્ત પર લાગૂ કરી શકે નહીં કેમ કે તેઓ સંસ્થાના સભ્ય નથી.