Main Menu

2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી

8 નવેમ્બરે સરકારે 500 અને 1000ની નોટ પાછી ખેંચતી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી લાગુ કરવાના ઉદ્દેશમાં એક લક્ષ્‍ય નકલી નોટોના દુષણને દુર કરવાનું ગણાવ્યું હતું.પીએમ મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરાયા બાદ એવું અનુમાન લગાવાઈ રહ્યુ હતું કે દેશના અર્થતંત્રમાંથી નકલી નોટો દૂર થઈ જશે.

જો કે નોટબંધી લાગુ કર્યા પછી પણ દેશમાં નકલી નોટો ફરી રહી છે અને મોદી સરકારના ઉદ્દેશ પર પાણી ફરી વળ્યું છે.

જોવાની વાત એ છે કે નોટબંધી પછી પીએમના વતન ગણાતા રાજ્ય ગુજરાતમાંથી જ 2000 રૂપિયાના ચલણની સૌથી વધુ માત્રામાં નકલી નોટો પકડાઇ છે.મિનિસ્ટ્રી ઑફ હોમ અફેયર્સ દ્વારા આ માહિતી અપાઈ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર દેશભરમાંથી કુલ 66,92,000 રુપિયાની નકલી 2000ની નોટ પકડાઈ હતી. જે પૈકી ગુજરાતમાંથી 26,42,000 રુપિયાની નકલી નોટ કબજે કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી લગભગ 40 ટકા નકલી 2000 રુપિયાની નોટ પકડાઈ હતી.

ગુજરાતમાં પોલીસ દ્વારા 1,321 જેટલી 2000 રુપિયાની નોટ કબજે કરાઈ હતી,જ્યારે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2 નોટ કબજે કરવામાં આવી હતી. આ બાબતે 3 પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

જ્યારે દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 12 લોકોને નકલી નોટોને સર્ક્યુલેશનમાં મુકવાના ગુનામાં આરોપી બનાવાયા હતા. નોંધનીય છે કે આખા દેશમાં 64 વ્યક્તિઓ વિરુદ્ધ આવી કાર્યવાહી કરવામાં આવી છે.

500 અને 1000ની નકલી નોટો પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં પકડાઇ હતી.2016માં ગુજરાતમાં 2,01,56,000ની 500-1000ના દરની નકલી નોટો પકડાઇ હતી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં ધંધા રોજગારનું પ્રમાણ વધુ હોવાથી અહીં નકલી નોટો ઘુસાડવાનું ચલણ વધારે છે. ગુજરાતમાં મોટાભાગે નકલી નોટો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ખાતે રહેલા ઓપરેટર્સ દ્વારા ઘૂસાડવામાં આવે છે.બાંગ્લાદેશનું માલ્દા નકલી નોટો માટેનું હબ ગણાય છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નકલી નોટોના રેકેટમાં પકડાયેલા મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના છે. આ તમામ નોટ જાહેર જનતાની જાગૃતિને કારણે અને પોલીસની સતર્કતાને કારણે પકડાઈ છે. પકડાયેલી કેટલીક નોટો પૈકી અમુક નોટો અમદાવાદમાં પણ છાપવામાં આવી હતી.