Main Menu

21 લાખ વેપારીને લાભ

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની ભલામણ સ્વીકારતાં કેન્દ્ર સરકારે જુલાઇની ડેડલાઇનમાં જીએસટી રીટર્ન ન ભરવા પરની પેનલ્ટી કાઢી નાખી છે. જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ પછી દરરોજનો 200 રુપિયા દંડની જોગવાઇ હતી. જોકે કરદાતાઓએ લેટ ફી નહીં લાગે પણ બાકી રકમ પર વ્યાજ આપવું પડશે.

નાણાંપ્રધાન અરુણ જેટલીએ આ પહેલાં જણાવ્યું હતું કે ડેડલાઇન સુધી જીએસટી રીટર્ન નહીં ભરવા પર દરરોજ 200 રુપિયા દંડ લેવાશે જેમાં 100 રુપિયા કેન્દ્રીય જીએસટી અને 100 રુપિયા રાજ્ય જીએસટીમાં જશે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જુલાઇ સુધીમાં 59.5 લાખ કરદાતાઓએ જીએસટી ફાઇલ કરવાનું હતું પરંતુ 29 ઓગસ્ટ સુધીમાં 38.3 લાખ રીટર્ન જ ફાઇલ થયાં હતાં. બાકીના 21 લાખ લોકો પર પેનલ્ટી લાગવાની હતી પરંતુ નાણાંવિભાગે જીએસટી કાઉન્સિલની ભલામણ થતાં પેન્લટી કાઢી નાખી છે. સાથે જે લોકોએ જીએસટી રીટર્ન ફાઇલ કરતાં ભૂલો થઇ છે તેઓ GSTR-1 અને GSTR-2 ફાઇલ કરતી વખતે તેને સુધારી શકશે. GSTR-1 બિઝનેસ સેલ્સ માટે ફાઇલ કરવાનું છે અને GSTR-2 બિઝનેસ પરચેઝ માટે ફાઇલ કરવાનું છે. જુલાઇ માટે ફાઇલ કરવાનો સમય 1થી 5 સપ્ટેમ્બર અને 6થી 10 સપ્ટેમ્બર છે.